રાજકોટ મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે બોલબાલા માર્ગ પર હસનવાડીમાં આવેલા હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર સામે ફૂડ વિભાગની ટીમો ત્રાટકી હતી. જેમાં તિરૂપતિ ડેરીમાં બાતમીના આધારે દરોડો પાડતા 500 કિલો વાસી પડતર મીઠો માવો અને 50 કિલો વાસી મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને સ્થળ પરથી તમામ માલ જપ્ત કરી ટીપર વાનમાં નાશ કરવામાં આવ્યો હતો. તો માલ પર લેબલ ન દર્શાવવા બદલ નોટીસ પણ આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ફૂડ વિભાગના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 80 ફુટ રોડથી સીધા જતા બોલબાલા માર્ગ, હસનવાડી-4, હાઉસિંગ બોર્ડ ક્વાટર સામે આવેલ વિરેન્દ્રભાઈ રમેશચંદ્ર ઉનડકટની માલિકી પેઢી ‘તિરૂપતી ડેરી ફાર્મ’માં તપાસ કરતાં પેઢીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલા વાસી પડતર મીઠા માવો (10 કિલો પેક્ડ બેગ)ના અંદાજીત 500 કિલો જથ્થા પર એકપાયરી, યુઝ બાય ડેટ કે ઉત્પાદન અંગેની કોઈપણ વિગતો છાપેલી ન હોવાનું માલુમ પડયું હતું. આ ઉપરાંત પડતર પડેલી વાસી મીઠાઇનો 50 કિલો જથ્થો મળ્યો હતો. જેથી અંદાજીત વાસી પડતર 550 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે પેઢીમાંથી મીઠો માવો, પિસ્તા રોલ, સાદો શિખંડ, શુધ્ધ ઘીના નમૂના લેવાયા છે આ ડેરીને પેકડ ખાધ્યચીજો પર લેબલમાં વિગતો દર્શાવવા તેમજ પેઢીના સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.