ગોંડલમાં અભયમે માનવતાનો પમરાટ મહેકાવ્યો છે. ૧૮૧ અભયમ ટીમે માનસિક અસ્વસ્થ અને નિરાધાર મહિલાનું જીવન રોળાતાં અટકાવીને સુરક્ષિત સ્થાને આશ્રય આપી સુખમય જીવન આપ્યું છે. ટીમને જાણ થઇ હતી કે એક યુવા મહિલા નિ:સહાય ભટકી રહ્યા છે અને કશું જણાવી શકતા નથી. આથી ટીમે દોડી જઇને મહિલાને પૂછપરછ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ કોઇ જવાબ આપી શક્યા ન હતા. આથી મહિલાને સલામત આશ્રયસ્થાને ખસેડવામાં આવી હતી.
રાજ્ય સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગોંડલ ખાતે ૧૮૧ અભયમ ટીમે માનસિક રીતે અસ્વસ્થ અને નિઃસહાય મહિલાને સમયસર મદદ કરી સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જાગૃત નાગરિકે ૧૮૧ હેલ્પલાઇન પર સંપર્ક કરી માહિતી આપી હતી કે, ગોંડલ વિસ્તારમાં એક અજાણ્યા મહિલા ખૂબ જ અસહાય અને દયનીય હાલતમાં મળી આવ્યા છે. આશરે ૩૦ વર્ષની ઉંમરના આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ જણાતા હતા અને કશું જ બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી તેમને તાત્કાલિક સહાયની જરૂર હતી.માહિતી મળતાંની સાથે જ ગોંડલ ૧૮૧ અભયમ ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં કાઉન્સિલર ચૌધરી લતાબેન, મહિલા કોન્સ્ટેબલ પરવાનાબેન અને પાઇલોટ દિવ્યેશભાઈએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત મહિલાની સંભાળ લીધી હતી.
ટીમે મહિલાને સાંત્વના આપી, તેમની પાસેથી વિગતો મેળવવા કાઉન્સિલિંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માનસિક સ્થિતિ નબળી હોવાને કારણે મહિલા પોતાનું નામ કે સરનામું જણાવી શક્યા ન હતા.અભયમ ટીમ દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને મહિલાને સુરક્ષિત આશ્રય અને યોગ્ય સંભાળ મળી રહે તે હેતુથી ‘માં અમરધામ આશ્રમ’ ખાતે આશ્રય અપાવવામાં આવ્યો છે.