ફ્રેન્ચ ઓપનમાં ખિતાબ બચાવવા ઉતરેલી અમેરિકી ટેનિસ સ્ટાર કોકો ગૉફ મંગળવારે એક નાના કાર અકસ્માતનો શિકાર બની હતી. જોકે, તેને ઈજા થઈ ન હતી અને તે મેચ જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. 22 વર્ષીય ગૉફે જણાવ્યું કે રોલાં ગારો પહોંચતી વખતે તેની કાર પોલ સાથે અથડાઈ અને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. તેને ટેક્સી દ્વારા સ્ટેડિયમ પહોંચવું પડ્યું. ગૉફે પોતાના જ દેશની ટેલર ટાઉનસેન્ડને 6-4, 6-0 થી હરાવી.
ગૉફના મતે, દિવસ ઘણી ઘટનાઓથી ભરેલો રહ્યો, જેના કારણે તેનું ધ્યાન મેચના દબાણ પરથી હટી ગયું. કોકો ગૉફ ગયા વર્ષે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન રહી હતી. તેણે ફાઇનલમાં એરીના સબાલેન્કાને હરાવીને ખિતાબ જીત્યો હતો.
વર્લ્ડ નંબર-1 એરીના સબાલેન્કાએ પ્રથમ રાઉન્ડમાં સ્પેનની જેસિકા બુજાસ માનેઇરો (વર્લ્ડ નંબર-50)ને સીધા સેટમાં 6-4, 6-2થી હરાવી. પેરિસના કોર્ટ ફિલિપ ચેટરિયર પર રમાયેલી આ મેચ 75 મિનિટ સુધી ચાલી.
સબાલેન્કાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2025 પછી વિમેન્સ સિંગલ્સમાં સૌથી વધુ 30 ગ્રાન્ડ સ્લેમ મેચ જીતી છે. તેનાથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ફક્ત મેન્સ સિંગલ્સ કેટેગરીમાં યાનિક સિનર (31) અને કાર્લોસ અલ્કારાઝ (31)ના નામે છે. જીત બાદ સબાલેન્કાએ કહ્યું- ‘મેં મારી નેટ ગેમમાં સુધારો કર્યો છે. હવે આ રીતે રમવાનો આનંદ લઈ રહી છું.’