પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 94.77 રૂપિયાની જગ્યાએ 97.77 રૂપિયા પ્રતિ લિટરના ભાવે, જ્યારે ડીઝલ 90.67 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.
પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં શા માટે વધારો થયો?
પેટ્રોલની કિંમતોમાં વધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.
ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. આથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.
આ અગાઉ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં ₹10-10નો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની ડ્યુટી ₹13 પ્રતિ લિટરથી ઘટાડીને ₹3, જ્યારે ડીઝલ પર ₹10 થી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી એક લિટર પેટ્રોલ પર કુલ ₹21.90 એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા બાદ તે ₹11.90 રહી ગઈ હતી. તેવી જ રીતે, એક લિટર ડીઝલ પર કુલ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ₹17.8 થી ઘટીને ₹7.8 પર આવી ગઈ હતી.
પીએમ મોદીએ કહ્યું હતું- ઈંધણનો વપરાશ ઓછો કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયાની ભૂ-રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોના સાવચેતીપૂર્વક ઉપયોગ સૂચન કર્યું હતું.