RTE હેઠળ પ્રવેશ મેળવવાની મુદત લંબાવાઈ, હવે 15 મે સુધી શાળામાં પ્રવેશ કન્ફર્મ કરાવી શકાશે

RTE હેઠળ વર્ષ 2026-27 ના શૈક્ષણિક સત્રમાં જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, તેમના માટે મહત્ત્વની બાબત સામે આવી છે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા RTE હેઠળ જે બાળકને પહેલા રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયો છે તેને પ્રવેશ કન્ફર્મ કરાવવાની અંતિમ તારીખ લંબાવીને 15 મે-2026 કરવામાં આવી છે.

અગાઉ આ મુદત 12 મેના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હોવાથી વાલીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે.

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના નાયબ શિક્ષણ નિયામક ડૉ. એમ. એન. પટેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પત્ર લખી આ અંગે જાણ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ઓનલાઇન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ હવે 15 મે 2026 સુધીમાં સંબંધિત શાળામાં જઈ જરૂરી દસ્તાવેજો સાથે પ્રવેશ નિશ્ચિત કરવાનો રહેશે.

શાળાઓ માટે સૂચના આપવામાં આવી છે કે જે શાળાઓમાં બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, તેમણે સમયમર્યાદામાં પ્રવેશની આનુસંગિક કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. આ નિર્ણય RTE અંતર્ગત વર્ષ 2026-27 ના પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફાળવણીની તારીખ લંબાવવા બાબતે લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *