મોઝામ્બિકમાં જન્મેલી મહિલાની ભારતીય પાસપોર્ટ માટેની અરજી હાઈકોર્ટે ફગાવી

રાજકોટમાં રહેતી અને મોઝામ્બિકમાં જન્મેલી મહિલાની ભારતીય પાસપોર્ટ મેળવવા અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ હેમંત એમ.પ્રચ્છકે જણાવ્યું હતું કે, અરજદાર મહિલા ભારતીય નાગરિકત્વ કાયદા હેઠળ પોતાનું ભારતીય નાગરિકત્વ પુરવાર કરવામાં નિષ્ફળ રહી છે, તેથી તેને હાલના તબક્કે ભારતીય પાસપોર્ટ માટેની રાહત આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, આ મહિલાએ પોતાના કેનેડા સ્થિત પતિ પાસે જવા માટે ભારતીય પાસપોર્ટ કાઢી આપવાની દાદ માંગી હતી.

મોઝામ્બિકમાં જન્મના 18 દિવસ બાદ ભારત આવી ગયા હતા કેસની વિગત મુજબ, અરજદાર ડોલી વડાલિયા વર્ષ 2000માં મોઝામ્બિકમાં ભારતીય માતા-પિતાના ત્યાં જન્મી હતી. મોઝામ્બિકમાં વિનાશક પૂર આવતાં એ વખતે માત્ર 18 દિવસની ઉમંરે તે તેના માતા-પિતા સાથે ભારત આવી ગઇ હતી અને ત્યારથી તે રાજકોટમાં જ રહે છે. તેણે કયારેય વિદેશી પાસપોર્ટ પણ મેળવ્યો નથી. અરજદાર મહિલાએ તેના કેનેડામાં રહેતા NRI પતિ સાથે જોડાવવા માટે ભારતીય પાસપોર્ટની માંગણી કરી હતી પરંતુ સત્તાવાળાઓએ તેના પુરાવાઓ ધ્યાનમાં લીધા વિના પાસપોર્ટ કાઢી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.જેના પગલે અરજદાર મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી તેના શૈક્ષણિક સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના પુરાવાઓના આધારે તેને ભારતીય પાસપોર્ટ કાઢી આપવા પાસપોર્ટ ઓથોરીટીને હુકમ કરવા દાદ માંગી હતી.

હાઈકોર્ટે અરજી ફગાવી, રાહત આપવાનો ઈન્કાર જો કે, હાઇકોર્ટે અરજદાર મહિલાની અરજી નામંજૂર કરતાં જણાવ્યું કે, ભારતીય નાગરિકતા કાયદાની કલમ-3 અને 4ની વૈધાનિક જોગવાઇઓનું પાલન કર્યા વિના અરજદારને ભારતીય નાગરિક ગણી શકાય નહી. અરજદારના માતા-પિતાએ પણ તેની ભારતીય નાગરિકત્વ માટેની જરૃરી પ્રક્રિયા પરિપૂર્ણ કરી નથી. હાઇકોર્ટે અરજદાર મહિલાને ભારતીય પાસપોર્ટ મુદ્દે હાલના તબક્કે રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. અલબત્ત, હાઇકોર્ટે અરજદાર મહિલાને નવેસરથી પાસપોર્ટ સત્તાવાળાઓ સમક્ષ અરજી કરવાની મંજૂરી આપી હતી અને તે પરત્વે કાયદાનુસાર નિર્ણય લેવા પાસપોર્ટ ઓથોરીટીને હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *