રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 15 મે સુધી અમદાવાદમાં ‘હીટવેવ’ની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરવાની શક્યતા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલા હીટ એક્શન પ્લાનના દાવા પોકળ સાબિત થયા છે. શહેરના બસ સ્ટેન્ડો અને બગીચાઓમાં ગરમીથી રાહત આપતી સુવિધાઓ માત્ર કાગળ પર જ સીમિત છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત આપવા બસ ડેપો પર કુલર્સ અને સ્પ્રિન્કલર્સ (પાણીના ફુવારા) લગાવવાની જાહેરાત કરી હતી. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી છે. શહેરના સૌથી વ્યસ્ત લાલ દરવાજા બસ ટર્મિનસ પર એક પણ સ્પ્રિન્કલર કાર્યરત નથી. પ્રવાસીઓને ઠંડક આપવા માટે બનાવેલા ‘કૂલ બસ સ્ટોપ’ અસહ્ય ગરમીના કારણે ‘હીટ સેન્ટર’માં ફેરવાઈ ગયા છે. તો સારથી બંગલોઝ (ચાંદખેડા), નવા વાડજ, જૂના વાડજ અને RTO સર્કલ જેવા મહત્વના બસ સ્ટેન્ડો પર મુકાયેલા તમામ કુલરો બંધ હાલતમાં મળી આવ્યા હતા.