પીએમ મોદીના 10 મેના રોજ બેંગલુરુ પ્રવાસ દરમિયાન મળેલી જિલેટીનની સ્ટીક્સ પછી હવે એવી વધારાની સામગ્રી પણ મળી આવી છે, જેનાથી વિસ્ફોટ ટ્રિગર કરી શકાય છે.
પોલીસને ત્રણ દિવસ પછી ત્યાંથી એક ઇલેક્ટ્રોનિક સર્કિટ અને ટાઈમર મળ્યું છે. આ સામગ્રી એક પૂંઠાના ડબ્બામાં હતી. પોલીસે આશંકા વ્યક્ત કરી કે જે લોકોએ તેને ત્યાં રાખવાનો પ્રયાસ કર્યો, તેઓ તેને એસેમ્બલ (જોડી) શક્યા નહીં.
વડાપ્રધાન 10 મેના રોજ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. વિસ્ફોટક સામગ્રી કાર્યક્રમ સ્થળ નજીક કાગલીપુરા વિસ્તાર પાસેથી મળી આવી હતી.
10 મેના રોજ જ્યારે પીએમ મોદીને બેંગલુરુમાં કાર્યક્રમમાં જવાનું હતું. તે જ દિવસે સવારે 7 વાગ્યાની આસપાસ પોલીસને એક ફોન કોલ આવ્યો. જેમાં કોલરે કહ્યું કે તેણે બોમ્બ લગાવ્યો છે.
આ કોલના આધારે પોલીસ હરકતમાં આવી અને શહેરના કોરમંગલા વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી. થોડા કલાકો પછી, પોલીસ ટીમને હાઈવેથી થોડા મીટરના અંતરે જિલેટીનનો ડબ્બો મળ્યો. આ જ રસ્તેથી પીએમ મોદીની કાર પસાર થવાની હતી.