રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં આજે એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે માનવતાને હચમચાવી દીધી છે. ઘોઘાવદર રોડ પર આવેલા ‘ગાયત્રી સિમેન્ટ’ નામના કારખાનામાં એક પિતાએ પોતાના બે તેજસ્વી સંતાનોની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સામૂહિક આપઘાતનું પ્રાથમિક કારણ ધંધો ઠપ્પ થવાના કારણે આર્થિક નુકસાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મૂળ કોટડા સાંગાણીના સાંઢવાયા ગામના વતની અને છેલ્લા 15 વર્ષથી ગોંડલમાં ‘ગાયત્રી સિમેન્ટ’નું કારખાનું ચલાવતા 35 વર્ષીય જયપાલભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયાએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મળતી માહિતી મુજબ, આજે સવારે જયપાલભાઈ તેમના 15 વર્ષના પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને હંમેશની જેમ વહાલથી ઘરેથી પોતાની સાથે કારખાને લઈ ગયા હતા. કોઈને અંદાજ પણ નહોતો કે આ તેમની છેલ્લી મુલાકાત હશે.
કારખાનામાં પહોંચ્યા બાદ જયપાલભાઈએ અગમ્ય કારણોસર પ્રથમ પોતાના બંને સંતાનોને ગળાટૂંપો દઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. સંતાનોના નિષ્પ્રાણ દેહ જોયા બાદ પિતાએ પણ કારખાનાના પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.
આ કરુણાંતિકામાં જીવ ગુમાવનાર બંને બાળકો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. પુત્ર મિશ્ર (15 વર્ષ) ગોંડલની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જ જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં તેણે 70% ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું. પુત્રી રિવા (10 વર્ષ) રામોદની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બંને બાળકોના અકાળે અવસાનથી તેમના મિત્રો અને શિક્ષકોમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.