વડોદરાના સમા વિસ્તારની સંતોષીનગર સોસાયટીમાં ગત 27 એપ્રિલના રોજ બપોરે એક વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવનાર ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹14.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું છે સમગ્ર મામલો? બનાવના દિવસે ફતેગંજ પોલીસ મથકની હદમાં આવતા સમા વિસ્તારમાં બે લૂંટારાઓ દંપતીના ઘરમાં ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ “તમે મતદાન કર્યું છે કે નહીં?” તેમ પૂછીને દંપતીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ ચપ્પુ બતાવી તેમને બંધક બનાવી દીધા હતા. લૂંટારાઓ પત્નીના ગળામાંથી સોનાની ચેઈન, બંગડીઓ, વીંટીઓ તથા પતિની વીંટીઓ સહિત આશરે 10 તોલા સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન મળી અંદાજે ₹87 હજારની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે છાણી કેનાલ પાસેથી બલકારસિંહ હરભજનસિંહ અને બલવીંદર સંધુને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછમાં આ ગુનાના મુખ્ય સૂત્રધાર મુદ્દસીરઅહેમદ ઉર્ફે વાહિદ મીરનું નામ ખૂલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.