મવડી, વાવડી, રેલનગર સહિતના વિસ્તારોમાં 3170 આવાસ બનશે

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં વધુ 3170 આવાસો ફાળવવાની જાહેરાત કર્યા બાદ, મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના માટે અનામત રાખવામાં આવેલા પ્લોટ્સની યાદી મુજબ 7 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ઓગસ્ટ માસમાં શહેરના પ્રાઇમ લોકેશન પર 1-BHK અને 2-BHK આવાસો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ આવાસો ડ્રો પદ્ધતિથી ફાળવવામાં આવશે અને વેટિંગ લિસ્ટમાં રહેલા અરજદારોને અગ્રતા આપવામાં આવશે તેમ આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળ્યું છે.

શહેરમાં સાત સ્થળોએ આવાસ યોજના માટે મનપાએ તૈયારીઓ તેજ કરી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ₹1.50 લાખ અને રાજ્ય સરકાર ₹2.50 લાખની સહાય આપશે, જ્યારે બાકીની રકમ લાભાર્થી અને કોર્પોરેશન ભોગવશે. મનપાની આવાસ યોજના શાખાના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દરેક મધ્યમવર્ગીય પરિવારને પોતાનું ઘર મળી રહે તે હેતુથી વધુ આવાસો બનાવવાની સૂચના અપાય છે.

આ વખતે પણ શહેરના પશ્ચિમ (વેસ્ટ) અને સેન્ટ્રલ ઝોનમાં રેલનગર, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, કસ્તુરી, પોપટપરા, સાધુ વાસવાણી કુંજ, મટુકી રેસ્ટોરન્ટ પાસે (વાવડી રોડ) અને મવડી પાળ રોડ સહિતના પ્રાઇમ લોકેશન પર આવાસોનું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 3-BHK આવાસોની ફાળવણીમાં તંત્રને મુશ્કેલી પડી હતી અને કિંમતોમાં પણ મોટો ઘટાડો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *