પડધરી પોલીસ મથકમાંથી ડમ્પર ચોરવાનો ખનીજ માફિયાઓનો પ્રયાસ નિષ્ફળ

રાજકોટ નજીક ખનીજ માફિયાઓની દાદાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં પડધરી પોલીસ મથકમાંથી જ જપ્ત કરાયેલું રેતી ભરેલું ડમ્પર ચોરી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ ગણાતા શખ્સ સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ, ગત તા. 25 એપ્રિલની રાત્રે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર કોન્સ્ટેબલ દાદાભાઈ ભોજક અને અન્ય સ્ટાફને પોલીસ મથકના પરિસરમાં પાર્ક કરાયેલું ડમ્પર કોઈ અજાણ્યો શખ્સ ચલાવી બહાર લઈ જતો હોવાનું જણાયું હતું. પોલીસેએ તરત જ ડમ્પર અટકાવી ચાલક પાસે મુક્તિ સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ કોઈ માન્ય આધાર રજૂ ન થતાં કડક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

તપાસમાં બહાર આવ્યું હતું કે ડમ્પર(નં. GJ-03-BY-9603) ગત તા. 23 એપ્રિલે ખાણ ખનીજ વિભાગે સરપદડ ગામેથી 21 મેટ્રિક ટન ગેરકાયદેસર રેતી સાથે ઝડપી પાડી પોલીસ મથકે ડિટેઈન કરાવ્યું હતું. ડમ્પરની અસલી ચાવી પોલીસ પાસે હોવા છતાં આરોપીઓ ડુપ્લિકેટ ચાવી વડે તેને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે આરોપી જયરાજસિંહ મહિપતસિંહ જાડેજા(રહે. છાટપરા) અને રાજદીપસિંહ વિજયસિંહ જાડેજા (રહે. નાના ઇટાળા)ની ધરપકડ કરી છે. જયરાજસિંહ પાસેથી ડમ્પરની બીજી ચાવી મળી આવી છે. ઉપરાંત, તેઓ જે સ્કોર્પિયો કારમાં આવ્યા હતા તે પણ જપ્ત કરવામાં આવી છે.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ ડમ્પર લાવવાનો આદેશ તેના કાકા અનિરુદ્ધસિંહ મહાવીરસિંહ જાડેજાએ આપ્યો હતો. તેણે “બીજી ચાવી લઈ જાવ અને ગાડી લઈ આવો, પછી જે થશે તે જોઈ લઈશું” કહી કાયદાની પ્રક્રિયાને અવગણીને સીધો જ પોલીસ મથકમાંથી ડમ્પર કાઢી લાવવાનું કહ્યું હતું. આ બનાવને પગલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *