શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં થયેલી ડબલ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં નોકરી કરતા વિશ્વરાજસિંહ યોગેન્દ્રસિંહ રાણાનું રાજકોટ સ્થિત મકાન લાંબા સમયથી બંધ હતું. આ દરમિયાન 22 માર્ચથી 16 એપ્રિલ વચ્ચે તસ્કરોએ મકાનમાં ઘૂસી અંદાજે 7.12 કિલો ચાંદીના દાગીના તથા રૂ.60હજારના રોકડ સહિત કુલ રૂ. 4.32 લાખની ચોરી અંજામ આપી હતી.
તે જ સોસાયટીમાં રહેતા નિવૃત્ત રમણીબેન નમ્બીયાર પણ પુણે ખાતે તેમના પુત્રના ઘરે ગયા હતા, ત્યારે તસ્કરોએ તેમના મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટના લોકરમાંથી આશરે 370 ગ્રામ ચાંદીની વસ્તુઓ, કોપરના વાસણો, મોબાઈલ અને ઘડિયાળ મળી કુલ રૂ. 41 હજારની માલમત્તા ચોરી કરી હતી. પાડોશીએ વીડિયો કોલ દ્વારા બનાવની જાણ કરતા મામલો સામે આવ્યો હતો.
એક જ વિસ્તારમાં બનેલી આ બંને ચોરીની ઘટનાઓને પગલે યુનિવર્સિટી પોલીસે એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડી બંને ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરાયેલ માલમત્તા કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે તેમજ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.