શ્રમિકના હાથમાંથી મોબાઈલ-રોકડ ઝૂંટવી બે બાઈકસવાર ફરાર

રાજકોટ શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સોબાનભાઈ ભીખુભાઈ પરમાર જ્યારે પોતાની સાઇકલ પર કામે જઈ રહ્યા હતા, ત્યારે માલધારી ફાટક પાસે બે અજાણ્યા બાઇકસવારો તેમનો મોબાઈલ અને રોકડ ઝૂંટવીને રફુચક્કર થઈ ગયા હતા.

બનાવ અંગે મળતી વિગતો મુજબ, ગુલાબનગર શેરી નંબર-11માં રહેતા સોબાનભાઈ આજે બપોરે આશરે 2 વાગ્યે સાઇકલ લઈને ઘરેથી ‘સ્કાયલાઇન એન્ટરપ્રાઇઝ’માં મજૂરીકામ કરવા નીકળ્યા હતા.

આ દરમિયાન મોબાઇલ ફોન પર વાત કરતી વેળાએ પાછળથી પૂરઝડપે આવેલા સ્પ્લેન્ડર બાઇક પરના બે શખ્સે સોબાનભાઈના હાથમાંથી આંચકો મારીને મોબાઇલનો ફોન ઝૂંટવી લીધો હતો.

સોબાનભાઈએ પોલીસને જણાવ્યું કે, તેમનો OPPO A-3X મોડલનો ફોન (કિંમત રૂ.14,000) હતો. ખાસ વાત એ છે કે, મોબાઈલના કવરમાં તેમણે રૂ.5,000 રોકડા પણ રાખ્યા હતા. તસ્કરો આ રોકડ સાથેનો ફોન લઈને ભાગી છૂટ્યા હતા.

સોબાનભાઈએ તસ્કરોને પકડવા માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ લૂંટારુઓ સેકન્ડોમાં જ નજરથી દૂર થઈ ગયા હતા.

પોલીસે સોબાનભાઇની ફરિયાદ પરથી બાઇક ચલાવનાર 20 વર્ષના અને પાછળ બેઠેલા આશરે 19 વર્ષના યુવક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *