રાજકોટની એઇમ્સ હોસ્પિટલ દર્દીઓની સેવાની જગ્યાએ હવે અસામાજિક તત્ત્વોના અખાડા જેવી બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. હોસ્પિટલ પૂર્ણ રીતે કાર્યરત થાય તે પહેલાં જ તેના લકવાગ્રસ્ત વહીવટના લીરા ઉડ્યા છે.
એઇમ્સમાં દર્દીની મુલાકાતે આવેલી બે મહિલાઓ સાથે સિક્યોરિટી સ્ટાફે અમાનવીય અને બેહૂદું વર્તન કરી શારીરિક હિંસા આચરી હોવાની શરમજનક ઘટના સામે આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે બપોરે બે મહિલાઓ પોતાના સ્વજનની ખબર કાઢવા એઇમ્સ પહોંચી હતી. આ સમયે વાહન પાર્કિંગ બાબતે સિક્યોરિટી ગાર્ડ્સ સાથે ચકમક ઝરી હતી.
રોષે ભરાયેલી મહિલાઓ જ્યારે કેમ્પસમાં રસ્તા પર આડેધડ પાર્ક થયેલી તબીબોની કાર અને રિક્ષાનો વીડિયો ઉતારી રહી હતી, ત્યારે સિક્યોરિટી સ્ટાફના મળતિયાઓ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને તેમનો મોબાઈલ આંચકી લેવાનો હીન પ્રયાસ કર્યો હતો. જોતજોતામાં મામલો બિચક્યો અને રક્ષકો જ ભક્ષક બનીને મહિલાઓ સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા.