ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ, તાપમાન 43°C પહોંચશે

રાજ્યમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે. હવામાન વિભાગે આજથી સાત દિવસ (23થી 29 એપ્રિલ) ગુજરાતમાં ભારે ગરમી સાથે યલો એલર્ટ આપ્યું છે. 24 કલાક બાદ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે બફારો પણ અનુભવાશે, જેના કારણે લોકોમાં અસ્વસ્થતા વધી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે, જ્યાં તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર જશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાશે, જેના કારણે વાતાવરણ વધુ સૂકું બનશે. ખાસ કરીને 26મી તારીખે, જે ચૂંટણીનો દિવસ છે, તે દિવસે વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 26મી તારીખે તાપમાન 37થી 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.

રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *