રાજકોટમાં પ્રથમ લગ્ન અંગેની વિગતો પત્ની અને કોર્ટ સામે છુપાવવી યુવકને ભારે પડી છે. બીજા લગ્નમાં મનમેળ ન થતા આરોપીએ પત્ની અને પુત્રને તરછોડી દીધા હતા. જો કે કાયદાકીય લડાઈ વચ્ચે પત્નીના હાથમાં પતિએ કરેલા અગાઉના લગ્નના ડોક્યુમેન્ટ મળી આવતા ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં કોર્ટે આરોપી પતિ આશિષકંટારીયાને ત્રણ વર્ષની સજા અને રુપિયા 20,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વર્ષ 2006માં યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યાં હતા શહેરના નાનામવા રોડ પર વરદાન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ કંટારીયાએ વર્ષ 2006માં એક યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન સમયે આશિષે પોતે અપરિણિત હોવાનું જણાવી કોર્ટના કાગળોમાં પણ ખોટી વિગતો આપી હતી. આ લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રનો જન્મ થયો હતો. જો કે, લગ્નના સાત વર્ષ બાદ પત્નીને જાણ થઈ હતી કે આશિષે અગાઉ લગ્ન કરેલા છે. જ્યારે પત્નીએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે આશિષે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અંતે પત્ની અને પુત્રને તરછોડી દીધા હતા.
પતિએ કોર્ટ અને પત્નીને ગેરમાર્ગે દોર્યાં હતા ત્યારબાદ પરિણીતાએ આશિષના પ્રથમ લગ્નના પ્રમાણપત્ર અને ડિવોર્સ પેપર મળી આવતા સત્ય સામે આવ્યું હતું. પતિએ કોર્ટ અને પત્ની બંનેને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડી.જે. વસવેલીયાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ રેકર્ડ પર પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાનું સાબિત થયું છે. આરોપી સામે અગાઉ પણ કલમ 406 હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે, જેમાં તેને સજા થયેલી છે. બંને પક્ષોની રજૂઆતો અને સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે આરોપી આશિષ કંટારીયાને 3 વર્ષની કેદ અને રૂપિયા 20,000નો દંડનો આદેશ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવી પડશે.