સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26ના બીજા સત્રની પરીક્ષાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 21 એપ્રિલથી યુનિવર્સિટી સંલગ્ન તમામ ભવનો અને કોલેજોમાં અન્ડર ગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. આ વખતે પરીક્ષાના શિડ્યૂલ ચૂંટણી વચ્ચે જ ગોઠવાયો હોવાથી શિક્ષણ અને તંત્ર બંને કસોટી થશે. જુદી જુદી 8 ફેકલ્ટીના 28 કોર્સની બીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે. મતદાનના દિવસે રજા રાખવી પડશે.
યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, આર્ટસ, હ્યુમેનિટીઝ, મેનેજમેન્ટ, કોમર્સ, સાયન્સ, આઈ.ટી., હોમસાયન્સ, લો, એજ્યુકેશન અને પરફોર્મિંગ આર્ટસ સહિતની 8થી વધુ મુખ્ય વિદ્યાશાખાઓના અંદાજે 28 જેટલા વિવિધ કોર્સની પરીક્ષાઓ એકસાથે લેવાશે. જેમાં B.A., B.Com, B.Sc., B.B.A., B.C.A. થી લઈને M.A. અને M.Com. જેવા અનુસ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન તા.26-04-2026ના રોજ યોજાનાર છે. આ મહત્ત્વપૂર્ણ દિવસે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાનના દિવસની આગળ-પાછળ થિયરી પરીક્ષામાં રજા જાહેર કરવામાં આવી છે. આ રજાઓને કારણે પરીક્ષાના શિડ્યૂલમાં થોડો ફેરફાર જોવા મળશે.