ઈઝરાયલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં વાટાઘાટો

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મિટિંગ ફેઈલ ગઈ. દુનિયાનો જીવ ફરી તાળવે ચોંટ્યો. પાછું યુદ્ધ થશે તો? ઈસ્લામાબાદની મિટિંગ બે મુદ્દે ફેઈલ ગઈ. હોર્મુઝ અને લેબનોન. હવે બીજી મિટિંગ 14 એપ્રિલે અમેરિકાના વોશિંગ્ટનમાં મળવાની છે. આ મિટિંગ એવા બે દેશો વચ્ચે મળવાની છે જેની કલ્પના પણ ન કરી શકાય. આ મિટિંગ ઈઝરાયલ અને લેબનોન વચ્ચે થવાની છે. આ સમાચાર સામે આવતાં જ હિઝબુલ્લાહના પેટમાં ફાળ પડી છે. જો ઈઝરાયલ અને લેબનોન વચ્ચે મિટિંગ સફળ રહી તો હિઝબુલ્લાહને લેબનોનમાં રહેવું ભારે પડી જાય.

ઈઝરાયલ અને લેબનોનના ડેલિગેશન વચ્ચે સીધી વાતચીત અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં 14 એપ્રિલે થવાની છે. અમેરિકાના વિદેશ મંત્રાલયમાં આ મિટિંગ થવાની છે. મિટિંગમાં અમેરિકામાં ઈઝરાયલના રાજદૂત યેચિલ લીટર અને લેબનોનના રાજદૂત નાદા હમદેહ-મુઆવાદ સામેલ થવાના છે.

આ મિટિંગમાં સીઝફાયર, બંને દેશોની બોર્ડર નક્કી કરવી અને ભવિષ્યમાં નિયમિત આવી મિટિંગ થતી રહે તેનું આયોજન કરવું, એવા મુદ્દા છે. નેતન્યાહૂ તો એક જ વાત પકડીને બેઠા છે. જો હિઝબુલ્લાહ હથિયારો હેઠા મૂકી દેશે તો હુમલા રોકાશે. આ મિટિંગ ગોઠવવા પાછળનું ભેજું અમેરિકામાં ઈઝરાયલના રાજદૂત યેચિલ લીટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *