શહેરના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર ગેટ નં. 1 પાસે વહેલી સવારે વોકિંગ કરવા નીકળેલા વૃદ્ધને કારની ટક્કર વાગતા ગંભીર ઇજાઓથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે GJ-18-BM-9281 નંબરની કારના ચાલક સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જલારામ પ્લોટ-1માં રહેતા ચંદ્રકાંતભાઈ ભોગીલાલ કામદાર(ઉ.વ.73) શુક્રવારે સવારે વોકિંગ માટે નીકળ્યા હતા.
તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલી કારએ તેમને અડફેટે લેતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ બેભાન હાલતમાં પટકાયા હતા. સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે મૃતકના ભત્રીજા નીખીલભાઈએ જણાવ્યું હતું કે, કારચાલક અભિજીત ઉનરકટ તેના મિત્ર પાસેથી કાર લઈ આવ્યો હતો અને બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. નીખીલભાઈની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે GJ-18-BM-9281 નંબરની કારના ચાલક સામે ગુનો નોંધી ચાલકની અટકાયત કરી છે.