20મીએ JEE મેઈનનું પરિણામ, 23મીથી એડવાન્સના ફોર્મ ભરાશે

એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવેલી JEE મેઈન 2026 પરીક્ષાના પરિણામો આગામી 20 એપ્રિલ સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પરિણામ બાદ દેશની પ્રતિષ્ઠિત IIT સંસ્થાઓમાં પ્રવેશ માટેની ‘JEE એડવાન્સ’ પરીક્ષાનો માર્ગ મોકળો થશે. JEE મેઈન પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓ એડવાન્સ આપી શકતા નથી. મેઈન પરીક્ષાના ફાઈનલ મેરિટમાં સ્થાન મેળવનારા ટોચના 2.50 લાખ સફળ ઉમેદવારો જ 17 મેના રોજ યોજાનારી JEE એડવાન્સ 2026માં બેસવા માટે પાત્ર ઠરશે.

JEE એડવાન્સ 2026નું શિડ્યૂલ પણ જાહેર કરી દેવાયું છે જેમાં જેઈઈ મેઈન્સના પરિણામના ત્રણ જ દિવસ પછી એટલે કે, 23 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. જેઈઈ એડવાન્સની પરીક્ષાની તારીખ 17 મે નક્કી કરવામાં આવી છે. IIT રુડકી દ્વારા જેઈઈ એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે. જેનું પરિણામ પણ સંભવત 1 જૂનના જાહેર થવાનું હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારોએ જાન્યુઆરી અને એપ્રિલ એમ બે સત્રમાં પરીક્ષા આપી છે. NTAના નિયમ મુજબ, આ બંને સત્રમાંથી જે સત્રમાં વિદ્યાર્થીનો સ્કોર વધારે હશે (બેસ્ટ ઓફ ટુ), તેના આધારે ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, એપ્રિલ સત્રના તમામ પ્રશ્નપત્રો પબ્લિક ડોમેન પર અપલોડ કરી દેવામાં આવશે. ત્યારબાદ 11 એપ્રિલે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થશે. જો કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્નના જવાબ સામે વાંધો હોય, તો તેઓ પ્રતિ પ્રશ્ન 200 રૂપિયા ફીભરીને તેને પડકારી શકશે. આ વર્ષે જાન્યુઆરી સત્ર કરતા એપ્રિલ સત્રમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ભારત ઉપરાંત વિદેશના 14 શહેરમાં પણ આ પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજનકરવામાં આવ્યું હતું. હવે વિદ્યાર્થીઓની નજર 20 એપ્રિલના ફાઈનલ સ્કોરકાર્ડ પર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *