પરસ્ત્રીના મોહમાં પત્ની પર ત્રાસ ગુજારનાર સામે ફરિયાદ

રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં ભાડે રહેતા એક પરિવારમાં મોબાઈલ ફોનના નેટવર્ક જેવી નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ પત્ની માટે કાળ સમાન સાબિત થયો છે. પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધમાં હોવાની શંકા જતા પત્નીએ પૂછપરછ કરી હતી, જેના બદલામાં પતિએ પ્રેમ આપવાને બદલે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અંતે કંટાળેલી પત્નીએ સાસરિયાં અને પતિ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત મુજબ, ફરિયાદી આશાબેનના લગ્ન વર્ષ 2019માં માંગરોળના જય નીતિનભાઈ કિકડિયા સાથે થયા હતા. દંપતીને સંતાનમાં 5 વર્ષનો પુત્ર પણ છે. ગત ઓગસ્ટ મહિનામાં એક રાત્રે પત્નીના ફોનમાં નેટવર્ક આવતું ન હોવાથી આશાબેને તપાસ કરી તો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે વાતચીત કરી રહ્યા હોવાની શંકા ગઈ હતી. આ બાબતે પત્નીએ પૃચ્છા કરતા જ પતિએ ઉશ્કેરાઈને તોછડું વર્તન કર્યું હતું અને ત્યારથી જ બંને વચ્ચે અણબનાવની શરૂઆત થઈ હતી.

આરોપ છે કે, પતિ જય કોઈ અજાણી સ્ત્રીના પ્રેમમાં પાગલ હતો. પતિએ પત્ની સાથે મારઝૂડ કરી તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી આશાબેન પોતાના પિયર રહેવા જતા રહ્યા છે. આ દરમિયાન પત્નીને તરછોડીને પતિ મુંદ્રા રહેવા જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ દહેજમાં આપેલા દાગીના પણ સાસરિયાં હડપ કરી ગયાનો પરિણિતાએ આક્ષેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *