ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપ મહાનગરપાલિકાની બેઠકો પર આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલે ચર્ચા કરશે. રાજ્ય ચૂંટણી પંચની નવી મતદાર યાદી, અનામત રોટેશન, જાતિગત સમીકરણ, ભાજપના નિયમો અને પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલી નીતિ મુજબ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકામાં 140 કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. 70 ટકાથી વધારે કોર્પોરેટરોને ઘરભેગા કરાશે.
ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. SIRના કારણે મતદારો ઓછા વધ્યા છે અને જાતિગત સમીકરણ પણ બદલાયું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ કારણોસર કયા કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે, કોને ટિકિટ મળી શકે અને ફરીથી રિપીટ થઈ શકે તેવા ઉમેદવારોનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું છે.
વિવાદિત પૂર્વ કોર્પોરેટરો પર કાતર ફેરવાશે અમદાવાદ મહાનગરપાલિકામાં અનેક નાના-મોટા વિવાદોમાં ભાજપના કોર્પોરેટરો આવી ચૂક્યા છે જેમાં સૌપ્રથમ ખોખરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચેતન પરમાર જેઓ સતત વિદેશમાં જ રહેતા હતા. ત્રણ મહિનાની સામાન્ય સભાની રજા લઇ અને ચોથી સામાન્ય સભામાં પોતાનું ડિસ્ક્વોલિફિકેશન ન થાય તેના માટે સહી કરવા માટે આવી જતા હતા. આ સમગ્ર મામલો ઉચ્ચ મોવડી મંડળ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ વચ્ચેથી તેમનું રાજીનામું લેવામાં આવ્યું નહોતું.