યુવકના લગ્નની તૈયારી ચાલતી હતી તેણે ફાંસો ખાઇ લીધો, ફટાણા અને ગીતના બદલે મરશિયા ગવાયા

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા 20 વર્ષીય રોહિત રઘુભાઈ કુવરિયાએ ગઈકાલે રાત્રે ઘરમાં એકલા હોઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી. થોડા સમય પહેલાં જ તેની સગાઈ થઈ હતી અને પરિવાર હવે લગ્નની તારીખ નક્કી કરવાની તૈયારીમાં હતો, પરંતુ લગ્ન ગીતો ગવાય તે પહેલાં જ પુત્રની અર્થી ઉઠતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

મળતી વિગતો મુજબ રોહિત મૂળ રાધનપુરનો વતની હતો અને છેલ્લા કેટલાક સમયથી માતા-પિતા સાથે રૈયાધારમાં રહેતો હતો. તે મજૂરીકામ કરતો હતો. ગઈકાલે રાત્રે આશરે 9 વાગ્યાના સમયે માતા-પિતા બહાર ગયા હતા ત્યારે રોહિતે પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

પરિવારજનો ઘરે પરત ફરતા ઘટનાની જાણ થઈ હતી. તરત જ 108ને જાણ કરવામાં આવી હતી, પરંતુ સ્થળ પર પહોંચેલા ઈએમટીએ રોહિતને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના એએસઆઇ મુકેશભાઈ ચરમટા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે પ્રાથમિક તપાસમાં પરિવારજનો અને નજીકના લોકોના નિવેદનો લીધા હતા. જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રોહિતની સગાઈ વતન રાધનપુર ખાતે થઈ હતી અને ટૂંક સમયમાં લગ્ન થવાના હોવાથી આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ અચાનક બનેલી આ ઘટનાએ બંને પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *