શહેર અને જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને નાથવા પોલીસ દ્વારા લોકદરબાર જેવી ઝુંબેશ ચાલી રહી છે ત્યારે પોપટપરા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી એક રિક્ષાચાલક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.
પોપટપરા વિસ્તારમાં 2/10ના ખૂણે રહેતા આશિફ હુસેનભાઈ જેડા (ઉં.વ.34)એ મંગળવારે સવારે આશરે આઠ વાગ્યે પોતાના ઘરમાં રૂમના પંખાના હૂકમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. તે દરમિયાન પત્ની બહારથી ગાંઠિયા લઈને ઘરે પરત ફરતા પતિને લટકતી હાલતમાં જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. આથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેને નીચે ઉતારી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકી દ્વારા પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આશિફ રિક્ષા હંકારતો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેને છ મહિનાની દીકરી છે. પરિવારમાં આર્થિક તંગી સર્જાતા તેણે આફતાબભાઈ સહિતના શખ્સ પાસેથી રૂ.15થી 20 હજાર વ્યાજે લીધા હતા. જોકે બાદમાં વ્યાજખોરો દોઢ લાખ જેટલી રકમ બાકી હોવાનું કહી રોજ ઘરે આવી ઉઘરાણી સાથે ધમકીઓ આપતા હોવાથી તે માનસિક તણાવમાં આવી ગયો હતો.
પત્નીએ આક્ષેપ કર્યો છે કે, સતત પઠાણી ઉઘરાણી અને ધમકીઓના કારણે પતિએ આ પગલું ભર્યું છે. હાલ પોલીસે યુવકનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.