બેંકના ATM સેન્ટર પર મદદ કરવાના બહાને લોકોના કાર્ડ બદલી લાખોની છેતરપિંડી આચરતી ગેંગના એક સભ્યને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી અલગ-અલગ બેંકોના 10 ATM કાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
ગોંડલની ઘટના બાદ પોલીસ એક્શનમાં ગત 25 માર્ચ 2026ના રોજ ગોંડલના મોહન પાર્ક વિસ્તારમાં રહેતા રશીલાબેન નામના મહિલા ATMમાંથી નાણાં ઉપાડવા ગયા હતા. આ સમયે એક અજાણ્યા શખ્સે મદદ કરવાની લાલચ આપી તેમની નજર ચૂકવી ATM કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ આ શખ્સે મહિલાના ખાતામાંથી રૂ. 40,000 ઉપાડી છેતરપિંડી આચરી હતી. આ મામલે ગોંડલ સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ તેજ કરી હતી.
શંકાસ્પદ હાલતમાં ઝડપાયો આરોપી રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગોંડલ સર્કિટ હાઉસ સામે IDBI બેંકના ATM પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા દિપકસિંહ સંતોષસિંહ સેંગર (ઉંમર 38 વર્ષ, રહે. ઉત્તર પ્રદેશ, હાલ રાજકોટ) નામના શખ્સની પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
મોડસ ઓપરેન્ડી શું હતી ? આરોપી ATM સેન્ટરની આસપાસ રેકી કરતો અને ખાસ કરીને વૃદ્ધો, અભણ કે ભોળા લોકોને નિશાન બનાવતો હતો. મદદ કરવાના બહાને તે ગ્રાહકનો પિન નંબર જાણી લેતો અને સિફતપૂર્વક અસલ કાર્ડ બદલી તેની જગ્યાએ ડુપ્લીકેટ કાર્ડ પધરાવી દેતો હતો. ગ્રાહકને ‘ટેકનિકલ ખામી છે’ તેમ કહી રવાના કર્યા બાદ તે અસલ કાર્ડ અને પિનની મદદથી ખાતામાંથી રોકડ રકમ ઉપાડી લેતો હતો.