જસદણ શહેરમાં બપોરના સમયે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. શહેરના ફાયર બ્રિગેડ સ્ટેશનની બિલકુલ સામે આવેલી જમાવટ રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગેસ સિલિન્ડર લીકેજ થવાને કારણે લાગેલી આ આગમાં રેસ્ટોરન્ટમાં કામ કરતો યુવક દાઝી જતાં સિવિલમાં ખસેડાયો હતો. રેસ્ટોરન્ટમાં અચાનક LPG ગેસ સિલિન્ડર લીક થયો હતો.
ગેસ પ્રસરતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ઝડપી હતી કે રેસ્ટોરન્ટના અંદરના ભાગમાં રહેલું ફર્નિચર, અન્ય સામાન લપેટમાં આવી ગયા હતા, આગ લાગી ત્યારે અંદર હાજર એક યુવક જ્વાળાઓમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડાયો હતો. દુર્ઘટના સ્થળની સામે જ ફાયર બ્રિગેડ ઓફિસ હોવાથી લશ્કરોએ સેકન્ડોમાં જ કામગીરી શરૂ કરી દીધી હતી.
જો ફાયર ફાઈટરો પહોંચવામાં મોડું થયું હોત તો આસપાસના વિસ્તારમાં પણ મોટી જાનહાનિ થઈ શકી હોત. આગ પર કાબુ મેળવાય ત્યાં સુધીમાં રેસ્ટોરન્ટ ખંડેર સમાન બની ગયું હતું.
રેસ્ટોરન્ટ ખંડેર બની ગયું ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આગને કારણે રેસ્ટોરન્ટમાં રહેલું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને રસોડાનો કિંમતી સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.