ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય ભાજપ, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગી કરવા કવાયત તેજ કરી છે. કોંગ્રેસ દ્વારા પણ મોટાભાગની મહાનગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.
સેન્સ પ્રક્રિયા દરમિયાન એક તરફ ભાજપમાં રાફડો ફાટ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે રેસના ઘોડા શોધવા મુશ્કેલ બન્યા હોય એવી સ્થિતિ છે. તેમાં પણ અમદાવાદમાં મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ઘાટલોડીયા વિધાનસના 4 વોર્ડમાં માત્ર 24 દાવેદાર જ સામે આવ્યા છે. જેમાંથી 16ને ટિકિટ આપવી પડશે.
સુરતને બાદ કરતા અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોંગ્રેસને બેઠક દિઠ માત્ર ચાર થી પાંચ દાવેદારો જ મળ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિાકના 48 વોર્ડની 192 બેઠક માટે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમદાવાદ મનપાની ચૂંટણી લડવા એક તરફ ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ કોંગ્રેસને રેસના ઘોડા મળવા મુશ્કેલ બન્યા છે. 92 બેઠક માટે કોંગ્રેસમાંથી ફક્ત 602 કાર્યકર્તાઓ દાવેદારી કરી છે. શહેરના કેટલાક વોર્ડ તો એવા છે કે જ્યાં 4 થી 5 લોકોએ જ દાવેદારી કરી છે.