સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખનો દાવો. ધર્મેશ ભંડેરીએ આજે (3 એપ્રિલ) સવારે જણાવ્યું હતું કે મોનાલી હીરપરા ( ધાર્મિક માલવિયાની પત્ની)એ વોર્ડ નંબર બેમાં આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હતી. જો કે આ સમગ્ર મુદ્દે ધાર્મિક માલવિયા બાદ હવે મોનાલી હિરપરાએ સોશલ મીડિયામાં પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે મેં ચૂંટણીમાં દાવેદારી કરી નથી.
ધાર્મિક માલવીયાની ભાજપમાંથી દાવેદારી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના પૂર્વ કન્વીનર અને જાણીતા પાટીદાર અગ્રણી ધાર્મિક માલવીયાએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી. તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે.
બીજી તરફ, ધાર્મિક માલવીયાના પત્ની એડવોકેટ મોનાલી હીરપરા જેઓ આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી હોવાનો આપના શહેર પ્રમુખએ શુક્રવારે સવારે દાવો કર્યો હતો. ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું કે મોનાલી હીરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો કે શું પતિ-પત્ની વચ્ચે જંગ જામશે.