પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર(જલારામ)માં ગુનાખોરી વકરી રહી છે. ગત 18 ઓક્ટોબરના રોજ જેતપુર તાલુકા પંચાયતનાં મહિલા ઉપ-પ્રમુખ હંસાબેન બારૈયાના પતિએ પોતાની પુત્રી કૌટુંબિક ભત્રીજા સાથે ફોનમાં વાત કરતી હોવાની શંકાને આધારે ભત્રીજાનું કારમાં અપહરણ કરી વાડીએ લઈ જઈ વાયર, પ્લાસ્ટિકની પાઇપ અને બેઝબોલના ધોકા વડે બેરહમીપૂર્વક માર મારી હાથપગ ભાંગી નાખ્યા હતા, જેને પગલે આરોપીના કૌટુંબિક ભત્રીજાનું સારવાર મળે એ પહેલાં જ મોત થયું હતું તેમજ આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણાએ મૃતકને લોહીલુહાણ હાલતમાં જ તેમના ભાઈ અને મોટા બાપુને સોંપ્યો હતો.
વીરપુરમાં બનેલો અપહરણ અને હત્યાનો આ કેસ 90ના દાયકાના બિહારની યાદ અપાવે એવો છે. આ હત્યા કેસમાં પોલીસે મૃતકના ભાઈ ઉમેશ બારૈયાની ફરિયાદ પરથી નવ શખસ સામે હત્યાનો ગુનો દાખલ કરી સાત શખસની અટકાયત કરી હતી. જ્યારે પોલીસ હાલ મુખ્ય આરોપીની શોધખોળ કરી રહી છે. આ હત્યા કેસ અંગે વધુ જાણવા દિવ્ય ભાસ્કરે વીરપુર પોલીસ સ્ટેશનના PSI એમ.જે.પરમાર સાથે વાતચીત કરી હતી.
વીરપુરમાં રહેતા જેતપુર તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ હંસાબેન બારૈયાના પતિ અને ભાજપનેતા એવા રાજુ બારૈયાને પોતાની પુત્રી કૌટુંબિક ભત્રીજા હિતેન ઉર્ફે હિતેશ બારૈયા સાથે મોબાઈલ ફોનમાં વાત કરતી હોવાની ઘણા સમયથી શંકા હતી. તેને કારણે રાજુ બારૈયાએ હિતેન બારૈયાને બેથી ત્રણવાર ચેતવણી પણ આપી હતી. આ દરમિયાન રાજુએ પૂર્વયોજિત કાવતરું રચી હિતેશનું રસ્તામાંથી જ આઠ સાગરીતની મદદથી અપહરણ કર્યું હતું અને ઢોરમાર મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર રાજકોટ જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે.