પુત્રી દોઢ વર્ષથી સાસરે ત્રાસ વેઠતી હતી

સામાન્ય રીતે કન્યાવિદાય પ્રચલિત છે પરંતુ ઝારખંડમાં એક પિતા સાસરે ત્રાસ વેઠતી પુત્રીને બેન્ડવાજા સાથે સ્વગૃહે પરત લઈ આવ્યાનો કિસ્સો બન્યો હતો. રાંચીના પ્રેમ ગુપ્તાએ ગયા વર્ષે 28 જુલાઈએ ફૅશન ડિઝાઇનર પુત્રી સાક્ષીનાં લગ્ન વીજવિભાગના સહાયક ઇજનેર સચિનકુમાર સાથે કરાવ્યાં હતાં. ગુપ્તાએ દેવું કરીને લગ્નમાં 50 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આ તરફ પિતા પર કૅન્સરગ્રસ્ત થયા. તબિયત સુધરતાં જ આ નવરાત્રિમાં પુત્રીને બેન્ડવાજા અને આતશબાજી સાથે ઘરે લઈ આવ્યા હતા. પિતાએ કહ્યું કે પુત્રીના સન્માનથી વધુ કશું નથી.

લગ્ન પછી તરત જ હેરાનગતિ શરૂ થઈ ગઈ હતી. પતિને વાત કરી તો તેણે સાથ આપવા ના પાડી. એક દિવસ સોશિયલ મીડિયા પર એક છોકરીનો મેસેજ આવ્યો કે તમારા પતિને પહેલેથી જ 2 પત્ની છે. હું એ છોકરીને મળી. તેણે મને પતિ સાથે પોતાનાં લગ્નની તસવીર બતાવી. 2017માં તેઓના તલાક થયા હતા. ત્યાર પછી સચિને બીજાં લગ્ન કર્યાં. ત્યાર પછી મારી સાથે સંબંધ બાંધ્યો. રૂપિયા પડાવવા તેણે આવું કર્યું. પપ્પાને બધી વાત કરી. પપ્પાએ કહ્યું કે કૅન્સરની સર્જરી પછી નાકમાં નાખેલી પાઇપ નીકળશે એટલે સીધો તારા ઘરે આવીને તને લઈ જઈશ. મેં પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તો મને ભાડાના મકાનમાં પૂરી દીધી. ખાવાપીવાનું પણ બંધ કરી દીધું. પોલીસે પણ મદદ ન કરી. દોઢ વર્ષ સુધી ત્રાસ વેઠ્યો છતાં હાર ન સ્વીકારી. હું સોશિયલ મીડિયા પર આ મુદ્દો લઈ આવી તો ઘણો ટેકો મળ્યો. દબાણ વધતાં પોલીસને હરકતમાં આવવું પડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *