પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે એક અણધારી અને હાસ્યાસ્પદ ક્ષણ સામે આવી. વિદેશ મંત્રી જ્યારે સાઉદી અરેબિયા અને ઇજિપ્તના વિદેશી મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે તેઓ લપસીને પડી ગયા. ઘટના દરમિયાન તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ડાર જેવા જ વિદેશી મહેમાનો તરફ આગળ વધે છે, અચાનક બેલેન્સ ગુમાવી દે છે અને જમીન પર પડી જાય છે. ઘટનાના તરત જ બાદ નાયબ વડાપ્રધાને સંભાળીને સ્વાગત સમારોહ ચાલુ રાખ્યો અને બધા મહેમાનોનું સન્માનપૂર્વક અભિવાદન કર્યું.
તાજેતરમાં ઈરાન યુદ્ધથી ઉદ્ભવેલા તણાવની અસર વૈશ્વિક સ્તરે અનુભવાઈ રહી છે. પેટ્રોલ અને ગેસના વધતા ભાવે સામાન્ય જનતા અને સરકારો બંનેની ચિંતા વધારી દીધી છે. આવા સમયે, ઘણા દેશો આ સ્થિતિને સ્થિર કરવાના પ્રયાસમાં લાગેલા છે.
આ સંદર્ભમાં, પાકિસ્તાને પોતાને શાંતિ સ્થાપિત કરનાર દેશ સાબિત કરવાનો પ્રયાસ કર્યો. આ હેતુથી ઇસ્લામાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સામેલ થયા હતા. બેઠકનો હેતુ પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ઓછો કરવો અને વૈશ્વિક વેપાર તેમજ ઊર્જા પુરવઠા પર થતી અસરને નિયંત્રિત કરવાનો જણાવવામાં આવ્યો હતો.