રાજકોટ શહેરમાં ઊભી થયેલી કોમર્સિયલ ગેસ સિલિન્ડરની અછત હવે માત્ર નાના વેપારીઓની સમસ્યા રહી નથી, પરંતુ લાખો લોકોના રોજિંદા જીવનને અસર કરતી ગંભીર પરિસ્થિતિ બની રહી છે. શહેરમાં અંદાજે દરરોજ 3થી 4 લાખ લોકો બહાર નાસ્તો કે જમવાનું કરતા હોય છે, જેમાં નોકરિયાત વર્ગ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ, પરપ્રાંતીય મજૂરો અને એકલી રહેતી મહિલાઓનો મોટો સમાવેશ થાય છે. ગેસ અછતને કારણે અડધોઅડધ ખાણીપીણીની રેંકડીઓ બંધ થતાં હાલમાં લગભગ દોઢથી બે લાખ લોકોને ખાવાની સમસ્યા ઊભી થઈ રહી છે.
સોની બજાર, કોઠારિયા નાકા, શાસ્ત્રી મેદાન, એ.જી.ચોક, ટાગોર રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારિયા રોડ, જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, 80 ફૂટ રોડ, જંક્શન, ગુંદાવાડી, કેનાલ રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ જેવા વિસ્તારોમાં આવેલી ખાઉગલીઓમાં ગેસના અભાવે અડધાથી વધુ રેંકડીઓ બંધ થઈ ગઈ છે.
ટાગોર રોડ હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ખાઉગલીમાં અંદાજે 54માંથી માત્ર 20થી 22 રેંકડીઓ ચાલુ રહેતા, રોજિંદી ચહલપહલ ધરાવતી આ ગલી હવે સૂમસામ બનતી જાય છે.દાળ-પકવાન, સમોસા, દહીંવડા, ઘૂઘરા, પકોડા, ભૂંગળા બટાકા, ખમણ-ઢોકળા, પાઉંભાજી, ઢોસા અને ગુજરાતી થાળી જેવી સામાન્ય વાનગીઓ હવે સહેલાઈથી મળતી નથી. જે લોકો માટે આ રેંકડીઓ રોજિંદા ભોજનનો આધાર હતી, તેઓ હવે મજબૂરીમાં મોંઘી હોટેલો કે રેસ્ટોરન્ટ તરફ વળી રહ્યા છે અથવા તો ભૂખ્યા રહેવાની નોબત આવી રહી છે.ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને એકલા રહેતા નોકરિયાતો માટે આ સ્થિતિ વધુ ગંભીર બની છે, કારણ કે તેઓ પાસે ઘરેલું રસોઈની સુવિધા નથી.
પરપ્રાંતીય મજૂરો અને કામદારો માટે પણ સસ્તું અને પેટભર ભોજન મળવું મુશ્કેલ બન્યું છે.નાના ખાણીપીણીના ધંધાર્થીઓ પણ આ પરિસ્થિતિથી તંગ આવી ગયા છે. ગેસ સિલિન્ડર મળતા બંધ થતા તેમને પકવાન અને ભૂંગળા બજારમાંથી ખરીદવા પડે છે, જેમાં પેકેટ દીઠ રૂ.2થી 5નો વધારો થયો છે. વધારાના ખર્ચ અને સમયને કારણે નફો ઘટતાં ઘણા વેપારીઓએ રેંકડીઓ બંધ કરવાની ફરજ પડી છે. “ગેસ વગર ધંધો ચાલે તેમ નથી,” એમ વેપારીઓનું કહેવું છે.