વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ, ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશ છે. સ્વિસ કંપની IQAir ના રિપોર્ટ મુજબ, સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને છે. ત્યારબાદ બાંગ્લાદેશ, તાજિકિસ્તાન, ચાડ અને કોંગો છે.
ઉત્તર પ્રદેશનું લોની વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે, જ્યારે નવી દિલ્હી ચોથા સ્થાને છે. વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 5 ભારતના છે. આમાં યુપીના ગાઝિયાબાદ, લોની, આસામના બર્નીહાટ, નવી દિલ્હી અને પશ્ચિમ બંગાળનું ઉલા સામેલ છે.
લોનીનું સરેરાશ PM2.5 સ્તર 112.5 µg/m³ નોંધવામાં આવ્યું, જે WHO ની ગાઇડલાઇન (5 µg/m³) કરતાં 22 ગણું વધારે છે. રિપોર્ટમાં 143 દેશોના 9,446 શહેરોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર 54 દેશોમાં PM2.5 વધ્યું છે. જ્યારે 75 દેશોમાં PM2.5 માં ઘટાડો થયો છે. 2 દેશોમાં કોઈ ફેરફાર થયો નથી અને 12 નવા દેશોનો સમાવેશ થયો છે. દુનિયાના માત્ર 14% શહેરો જ WHO ના ધોરણો પર ખરા ઉતર્યા છે.
2025 માં ક્લાઇમેટ ચેન્જને કારણે જંગલની આગે વૈશ્વિક પ્રદૂષણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી. યુરોપ અને કેનેડામાંથી રેકોર્ડ બાયોમાસ ઉત્સર્જન થયું, જેનાથી 1,380 મેગાટન કાર્બન ઉત્સર્જન થયું.
અમેરિકા અને યુરોપમાં પણ અસર
અમેરિકામાં PM2.5 વધીને 7.3 µg/m³ થયું. એલ પાસો સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. જ્યારે સિએટલ સૌથી સ્વચ્છ શહેર બન્યું. યુરોપના પણ 23 દેશોમાં પ્રદૂષણ વધ્યું, જ્યારે 18 માં ઘટાડો થયો.