અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો આજે 26મો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દાવો કર્યો છે કે અમેરિકાએ યુદ્ધ જીતી લીધું છે.
વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવવા પર સહમત થઈ ગયું છે અને હવે સમજૂતી કરવા માટે તૈયાર છે. અમેરિકી વિમાન તેહરાન ઉપર ઘૂમી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે સતત હુમલા બાદ ઈરાન પૂરેપૂરું નબળું પડી ગયું છે અને તેની પાસે ડીલ કરવા સિવાય વધુ વિકલ્પો બચ્યા નથી. બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેમાં અમેરિકાના ટોચના અધિકારીઓ પણ સામેલ છે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન હવે વાતચીતમાં સમજદારી દાખવી રહ્યું છે અને જલ્દી સમજૂતી થઈ શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો વાતચીત નિષ્ફળ જશે, તો અમેરિકા ઈરાનના ઉર્જા માળખા, ખાસ કરીને પાવર પ્લાન્ટ્સ પર ફરીથી હુમલો કરી શકે છે.