રાજકોટ મહાપાલિકા દ્વારા સંચાલિત રેસકોર્ષ સંકુલમાં ઓફિશીયેટીંગ ડિરેક્ટર રીક્રૂટીંગ (ARMY) દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે આર્મી રીક્રુટમેન્ટ રેલીનું મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ હસ્તકના વિવિધ ગ્રાઉન્ડ અને પરિસરના ઉપયોગ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 23/03/2026થી તા. 08/04/2026 સુધી આ ભરતી રેલી ચાલવાની હોવાથી આ દરમિયાન રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જાહેર જનતા અને તમામ મેમ્બર્સ માટે પ્રવેશ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયા દરમિયાન રેસકોર્સ સંકુલના ચોક્કસ વિસ્તારો જેવા કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ અને હોકી ગ્રાઉન્ડ વચ્ચેની વ્યુઇંગ ગેલેરી, હોકી ગ્રાઉન્ડ સામેનો લોન એરીયા અને ઇન્ડોર સ્ટેડિયમ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત નવી બિલ્ડીંગનું પરિસર, તમામ ટેનિસ કોર્ટ, ફૂટબોલ ગ્રાઉન્ડ તેમજ તેની આસપાસના રસ્તાઓ અને બ્યુટીફિકેશન ગલી પણ આ નિર્ધારિત સમય દરમિયાન બંધ રહેશે. જોકે, સવારના 6:00થી રાત્રિના 09:00 વાગ્યા સુધી તમામ સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. ઓ.એસ.ડી. દ્વારા જાહેર જનતા અને સભ્યોને ફેરફારની નોંધ લેવા અને ભરતી પ્રક્રિયાના આયોજનમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.