રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી દીધી છે, જેના પગલે ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે.
રાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા (મનપા), 84 નગરપાલિકા, 11 નગરપાલિકાઓની 13 બેઠક (પેટા ચૂંટણી), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે.
આ તમામ બેઠકો પર કુલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં 2,16,15,633 પુરૂષ મતદારો છે. જ્યારે 2,02,71,220 મહિલા મતદાર નોંધાઈ છે. આ ઉપરાંત 965 અન્ય મતદારો નોંધાયા છે.
આ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.