રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે 16 માર્ચ, 2026ના રોજ 181મી મહત્વપૂર્ણ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામો અને નવી નગર રચના યોજનાઓ (ટીપી સ્કીમ) અંગેના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજકોટના ભવિષ્યના વિકાસનો નવો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં નવા રિંગરોડનાં કામો સમયમર્યાદામાં પુરા કરવા માટેની ખાતરી મ્યુ. કમિશનર અને રૂડા ચેરમેન તુષાર સુમેરાએ આપી છે.
નવી નગર રચના યોજનાઓનો ઇરાદો જાહેર શહેરના ભૌગોલિક વિસ્તારમાં થતા સતત વધારાને ધ્યાનમાં રાખીને, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળ દ્વારા બે મહત્વની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે.
નગર રચના યોજના નં.39/2 (બેડી): બેડી વિસ્તારના વિકાસને વેગ આપવા માટે આ સ્કીમ અત્યંત મહત્વની સાબિત થશે. અહીં રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ અને પ્લોટિંગનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે.
નગર રચના યોજના નં.44 (પાળ-કાંગશિયાળી): પાળ અને કાંગશિયાળી જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં આયોજનબદ્ધ રહેણાંક અને વ્યાપારી સુવિધાઓ ઊભી કરવાના હેતુથી આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.