રાજકોટના જામનગર રોડ પરનાં નાગેશ્વર વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી છે. ગાંધીગ્રામ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નાગેશ્વર એપાર્ટમેન્ટ પાસે પડેલી સફેદ રંગની અર્ટિગા કાર નંબર GJ-03-ML-5663માં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારની તપાસ કરતા પાછળની સીટમાંથી ખાખી કલરના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાંથી 180 mlની શરાબની કુલ 720 બોટલો મળી આવી હતી. જેની કિંમત 1,87,200 થાય છે. પોલીસે 1.87 લાખનો દારૂ અને અર્ટિગા કાર મળી કુલ 6,87,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે દારૂની હેરાફેરી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા 32 વર્ષીય આશિષ રમેશભાઈ રામોલિયાએ ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ગુંદાસરા ફાટક પાસે ઝેરી પ્રવાહી પી લેતા તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આશિષભાઈએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2022માં ફેસબુકના માધ્યમથી કેશોદની એક પરિણીત યુવતી સાથે સંપર્ક થયો હતો, ત્યારબાદ બંનેએ મૈત્રી કરાર કરી એક વર્ષ સાથે વિતાવ્યું હતું. જોકે, બાદમાં મૈત્રી કરાર છૂટો થતા યુવતી પરત તેના પતિ પાસે જતી રહી હતી.