રાજકોટ શહેર SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, જ્યોતીબેન ગૌસ્વામીએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો છે. જે હકીકત આધારે દરોડો કરતા ભાડાના રહેણાંક મકાનમાંથી 1.98 લાખ કિંમતનો 3 કિલો 972 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે જ્યોતિબેન વસંતભાઈ પાંડુભાઈ ગૌસ્વામી (ઉં.વ.28) અને મહેન્દ્ર ભોલાભાઇ બારૈયા (ઉં.વ.27)ને ઝડપી લઇ તેની પાસેથી બે મોબાઇલ મળી કુલ રૂ.2,33,600નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મહિલા ડ્રગ પેડલર જયોતી અને મહેન્દ્ર બંને સુરતમાં રેલવે પાટા પાસેના વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાનું અને જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા બુધીયો નામના શખસને ગાંજાનો જથ્થો પહોંચડવાનો હોવાનું સામે આવ્યું છે.
બીજા દરોડામાં 906 ગ્રામ ગાંજો ઝડપાયો બીજા દરોડામાં SOG ટીમે રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ સરદાર ચોકથી સાહિલ પ્લાયવુડ કારખાના તરફ જાહેર રસ્તા પરથી શાહરુખખાન મીઠ્ઠનખાન (ઉં.વ.24)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી તેની ઝડપી લેતા તેની પાસેથી રૂપિયા 44,300ની કિંમતનો 906 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 49,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પૂછપરછ કરતા તેને ગાંજાનો જથ્થો મૂળ યુપીના વતની અને હાલ શાપરમાં રહેતા બસીમખાન નામના શખસે અહીં ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને છૂટકમાં વેચાણ કરવા માટે આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બસીમખાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.