સવારે 8.30 કલાકે 19.3 ડિગ્રી, છ કલાકમાં જ તાપમાન 20.9 ડિગ્રી વધીને 41.60 થયું

રંગીલા રાજકોટમાં આ વર્ષે ઉનાળાએ જાણે કેલેન્ડરના પાના ઉથલાવવાની રાહ પણ નથી જોઈ. માર્ચ મહિનાના પ્રારંભિક દસ દિવસમાં જ સૂર્યનારાયણે પોતાનું પ્રચંડ સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. સોમવારે રાજકોટમાં ગરમીએ પરાકાષ્ઠા વટાવી દેતા મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. આ આંકડો માર્ચ મહિનાના પ્રથમ 10 દિવસના ઇતિહાસમાં સૌથી વધુ તાપમાનનો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરી રહ્યો છે.

રાજકોટના હવામાનમાં આજે અજીબ વિરોધાભાસ જોવા મળ્યો હતો. સવારે 8:30 કલાકે શહેરનું તાપમાન અત્યંત આહલાદક 19.3 ડિગ્રી હતું, પરંતુ જેમ જેમ સૂર્ય માથા પર આવતો ગયો તેમ તેમ પારો રોકેટ ગતિએ વધ્યો હતો. આશ્ચર્યજનક રીતે, માત્ર 6 જ કલાકમાં તાપમાનમાં 20.9 ડિગ્રીનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. બપોરે 2:30 કલાકે પારો 40.2 ડિગ્રીને પાર કરી ગયો હતો અને સાંજ પડતા સુધીમાં 41.6 ડિગ્રીના આંકડાએ લોકોને પરસેવે રેબઝેબ કરી દીધા હતા. અચાનક વધેલી ગરમીને કારણે રાજકોટના રાજમાર્ગો પર બપોરના સમયે અઘોષિત કર્ફ્યૂ જેવો માહોલ હતો. લોકોએ બપોરે બહાર નીકળવાનું ટાળ્યું હતું.

હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે 13 માર્ચ સુધી ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. આ પાંચ દિવસો દરમિયાન આકરી હીટવેવ (લૂ) ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન ગરમીનો પ્રકોપ સૌથી વધુ રહેશે. હવામાન નિષ્ણાતોના મતે, ગરમ પવનોને કારણે તાપમાન હજુ પણ ઊંચું જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *