જેતપુરના ખાનદાન નગર વિસ્તારમાં આવેલી ‘જીનેન્દ્ર આર્ટસ’ કારખાનામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉદ્યોગનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલા વાહન સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચોરી 23 થી 24 ફેબ્રુઆરી, 2026ના દરમ્યાન બની હતી. અજાણ્યા તસ્કરોએ કારખાનાની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો અને મુખ્ય હોલમાં રાખેલા આશરે 9,000 રૂપિયાની કિંમતના બ્લીચ થયેલા રેયોન કાપડના ત્રણ તાકા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ, જેતપુર ડીવીઝનના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શનથી પોલીસ ઇન્સ્પેક્ટર ડો. એમ. એમ. ઠાકોર અને સર્વેલન્સ ટીમના પીએસઆઈ એલ. ડી. મેતાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રીઝવાનભાઈ સિંજાત અને કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોરને મળેલી બાતમીના આધારે પોલીસે જૂના રાજકોટ રોડ પર સર્કિટ હાઉસ પાસેથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં જેતપુરના જીતેષ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે ડાડુ પોપટભાઇ મકવાણા અને જેતપુર તાલુકાના બોરડીસમઢીયાળાના વિવેકભાઇ ધનજીભાઇ હળવદીયાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 9,000 રૂપિયાની કિંમતના ચોરી થયેલા રેયોન કાપડના ત્રણ તાકા અને ચોરીમાં વપરાયેલ 10,000 રૂપિયાની કિંમતનું હોન્ડા એક્ટિવા (નં. GJ 03 BP 2615) કબજે કર્યા છે.
આ સફળ કામગીરીમાં પી.આઈ. ડો. એમ. એમ. ઠાકોર, પીએસઆઈ એલ. ડી. મેતા, એ.એસ.આઈ. નૈમીષભાઇ લીંબાણી, હેડ કોન્સ્ટેબલ રીઝવાનભાઈ, અજયભાઇ, હિતેષભાઇ, વાસુદેવસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.