રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોટી કાર્યવાહી કરી છે. પીઠડિયા ટોલ પ્લાઝા પાસે બટાકાની આડમાં છુપાવીને લઈ જવાતો ₹51.90 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં દારૂ અને વાહનો સહિત કુલ ₹86.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
SMC ટીમને મળેલી બાતમીના આધારે પીઠડિયા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન એક ટ્રકમાંથી બટેકાની બોરીઓ નીચે છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની IMFL (ઇન્ડિયન મેડ ફોરેન લિકર) ની કુલ 25,920 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹51,90,240 આંકવામાં આવી છે, જે ચંડીગઢ અને પંજાબની ડિસ્ટિલરીઓમાં ઉત્પાદિત થયો હતો.
પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના નૌશાદ ઇશાકખાન, હરિયાણાના ખાલિન ખુશીદખાન, કચ્છના હર્ષવર્ધન શિવરાજસિંહ શેખાવત અને મનીષ દેવિલાલ પારગી, તેમજ રાજકોટના નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જાડેજાનો સમાવેશ થાય છે.