બે દિવસ પૂર્વે ગોંડલના સરગમ પાર્ક વિસ્તારમાં લોકોની ફરિયાદ સાંભળવા ગયેલા આપના નેતા જીગિશા પટેલ પર પથ્થરથી હુમલો થયો હતો અને તેમની કાર પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જે બાદ જીગિશા પટેલની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી, જે અંગે ફરિયાદ દાખલ થતાં પોલીસ સક્રિય બની હતી અને બે મહિલા આ રોપીની ધરપકડ કરી હતી તેમજ હજુ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ રાખી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ગોંડલના સરગમ પાર્ક વિસ્તારમાં બે દિવસ પહેલા સ્થાનિક પ્રશ્નો સાંભળવા ગયેલા જીગીશા પટેલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે ઝપાઝપી પણ થઈ હતી. હુમલાખોરોએ તેમની કારના કાચ તોડી નાખ્યા હતા.
આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. ગોંડલ સીટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને વહેતા થયેલા વિડીયોના આધારે બે મહિલા આરોપીની ધરપકડ કરી છે. તેમજ બાકીના સાત આરોપી પણ હાથવેંતમાં હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.
ગોંડલની શિવમ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય ક્રિષ્ના રાજભાઈ રાવલ અને રાજકોટના આંબેડકરનગરમાં રહેતી 19 વર્ષીય યોગીતા ઉર્ફે યસ્વી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિઝુંડાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ ચાલુ છે.