રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીને કારણે વિવાદના વમળમાં ફસાઈ છે. 18 વર્ષની એક યુવતીને કમળાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારીને કારણે તેને ‘બ્લડ કેન્સર’ હોવાનો ખોટો રિપોર્ટ પધરાવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સિવિલ અધિક્ષક મોનાલી માંકડિયા લાલઘૂમ થયા છે અને જવાબદારો સામે કડક તપાસના આદેશ આપ્યા છે.
યુવતીને કમળાની અસર જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ઘટનાની વિગતો મુજબ, શહેરના પારડી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય દેવિકાને કમળાની અસર જણાતા પરિવારે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે, ખાનગી હોસ્પિટલનો ખર્ચ વધુ હોય મધ્યમવર્ગીય પરિવારે વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ભરોસો મૂક્યો હતો. સોમવારે યુવતીને સિવિલના ઈમર્જન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. અહીં કેસ બારી પર નોંધાયેલા દસ્તાવેજોમાં યુવતીની ઉંમર 18 વર્ષ સ્પષ્ટપણે લખવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ તબીબોએ બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, જે આખા પરિવાર માટે માનસિક આઘાતનું કારણ બની ગઈ હતી.
દીકરીનો બ્લડ રિપોર્ટ આવતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ આ યુવતીનો લેબોરેટરીમાંથી જ્યારે બ્લડ રિપોર્ટ આવ્યો ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રિપોર્ટમાં દર્દીની ઉંમર 18ના બદલે 40 વર્ષ દર્શાવવામાં આવી હતી અને સૌથી ભયાનક બાબત એ હતી કે તેમાં ‘બ્લડ કેન્સર’ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. એક તરફ દીકરીને જીવલેણ બીમારીના સમાચારથી માતા-પિતા ભાંગી પડ્યા હતા, બીજી તરફ હોસ્પિટલના તબીબોએ પણ રિપોર્ટની ખરાઈ કર્યા વિના જ યુવતીને કેન્સરની સારવાર આપવાની શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તેને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ રિફર કરવા તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી.
યુવતીના બ્લડ સેમ્પલ અન્ય કોઈ 40 વર્ષીય મહિલા સાથે બદલાઈ ગયા જોકે, આ સમગ્ર છબરડો ત્યારે બહાર આવ્યો જ્યારે યુવતીની ખબર કાઢવા આવેલા એક જાગૃત સંબંધીએ રિપોર્ટ ધ્યાનથી જોયો. કેસ પેપર પર ઉંમર 18 વર્ષ અને રિપોર્ટમાં 40 વર્ષ જોઈને તેમને શંકા ગઈ. જ્યારે તેમણે તબીબોને આ વિસંગતતા અંગે સવાલો કર્યા, ત્યારે આખરે લેબની મોટી ભૂલ હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે યુવતીના બ્લડ સેમ્પલ અન્ય કોઈ 40 વર્ષીય મહિલા સાથે બદલાઈ ગયા હતા. ફરીથી ટેસ્ટ કરાવતા યુવતીને માત્ર સામાન્ય કમળો હોવાનું નિદાન થયું હતું.