વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસના ઈઝરાયલ પ્રવાસે પહોંચ્યા. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની સારા નેતન્યાહુએ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું.
ત્યારબાદ પીએમ મોદીએ ઈઝરાયલની સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરી. આ દરમિયાન તેમને સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ આપવામાં આવ્યું.
ઈઝરાયલી સંસદમાં બોલવું એ સન્માનની વાત: ઈઝરાયલી સંસદ સામે ઊભા રહીને ગર્વ અનુભવી રહ્યો છું. હું એક પ્રાચીન સભ્યતા ભારતનું પ્રતિનિધિત્વ કરતા બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરી રહ્યો છું.
140 કરોડ ભારતીયોનો સંદેશ લઈને આવ્યો છું: 140 કરોડ ભારતીયો તરફથી તમારા માટે શુભેચ્છાઓ, મિત્રતા, સન્માન અને મજબૂત ભાગીદારીનો સંદેશ લઈને આવ્યો છું.
ભારતમાં યહૂદીઓ હંમેશા સુરક્ષિત રહ્યા: ગર્વ સાથે કહી શકું છું કે ભારતમાં યહૂદી સમુદાય કોઈ પણ ડર, ભેદભાવ કે ઉત્પીડન વગર રહ્યો છે. તેમણે પોતાની આસ્થા સુરક્ષિત રાખી અને સમાજમાં પૂરી ભાગીદારી કરી.
ભારત-ઈઝરાયલના 2 હજાર વર્ષ જૂના સંબંધો: ભારત અને ઈઝરાયલનો સંબંધ 2 હજાર વર્ષથી પણ જૂનો છે. ‘બુક ઓફ એસ્તેર’માં ભારતનો ઉલ્લેખ મળે છે અને ‘તલમુદ’માં આપણા વ્યાપારિક સંબંધોનો ઉલ્લેખ છે.