રાજકોટમાં વધુ એક વખત આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના હસનવાડી વિસ્તારમાં આવેલી કુરિયર ઓફિસ પાસે ઘસી જઈ બે શખ્સો અમન સંધી નામના યુવકને આડેધડ છરીના સાત જેટલા ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ભક્તિનગર પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હસનવાડી વિસ્તારમાં સોમવારે રાત્રીના સમયે અમન સંધી નામનો યુવાન પોતાની ઓફિસ પર હાજર હતો અને કામ કરી રહ્યો હતો, જ્યાં અચાનક બે શખ્સો ઘસી આવી અમન સાથે બોલાચાલી કરી ઝઘડો કરી પોતાની પાસે રહેલ છરીના ઉપરાછાપરી સાત જેટલા ઘા ઝીંકી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અમન પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો, ત્યારે બન્ને શખ્સો આવ્યા હતા અને ઓફિસજી બહાર બોલાવી ઝઘડો કરી બાદમાં છરી વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા.