રાજકોટ શહેર સહિત સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓ, કોર્ટ સંકુલો અને શાળાઓને છેલ્લા કેટલાક સમયથી મળતી બોમ્બ ધમકીઓની ઘટનાઓને ગંભીરતાથી લેતા રાજ્ય વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને અમદાવાદ અને વડોદરાની આશરે 40 જેટલી શાળાઓને મળેલી ધમકીઓના પગલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આગામી તા.26 ફેબ્રુઆરીથી શરૂ થનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિરાંતે અને તણાવમુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લાઓમાં વિશેષ સુરક્ષા ગોઠવણ હાથ ધરાઈરહી છે.
રાજ્યના મુખ્ય સચિવ દ્વારા રાજકોટ સહિત તમામ જિલ્લાઓના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, શિક્ષણાધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન કોઈ ધમકી મળે તો પરીક્ષા પ્રક્રિયા ખોરવાય નહીં અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસરવા સૂચના અપાઈ હતી.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ શહેરની સંવેદનશીલ ગણાતી પરીક્ષા કેન્દ્ર શાળાઓ ખાતે ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) તથા એમ્બ્યુલન્સ સેવાઓ સ્ટેન્ડ ટુ પર રાખવામાં આવશે. ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ, સીસીટીવી મોનિટરિંગ અને કેન્દ્રોની પૂર્વ ચકાસણી પણ હાથ ધરાશે.