અમદાવાદના અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સામાજિક સેવામાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ‘અધ્યાપક સન્માન 2025’ માટે રાજકોટના પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. ઇરોસ વાજાની પસંદગી કરવામાં આવી છે. 15 માર્ચ 2026ના રોજ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્ય સમારોહમાં તેમને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
ડો. ઇરોસ વાજા હાલમાં માતુશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે અંગ્રેજી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમણે કેનેડા, ઉઝબેકિસ્તાન અને દુબઈ (GITEX 2019) જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી બોર્ડ ઓફ સ્ટડીઝના સતત 3 ટર્મ સુધી અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ડો. વાજા માત્ર વર્ગખંડ પૂરતા મર્યાદિત નથી, તેઓ આકાશવાણી અને ટેલિવિઝન પર શૈક્ષણિક મુદ્દાઓ પર માર્ગદર્શન આપે છે. અનેક વિદ્યાર્થીઓને પીએચ.ડી.માં માર્ગદર્શન આપવાની સાથે તેઓ ઇગ્નુ (IGNOU) માં એકેડેમિક કાઉન્સેલર તરીકે પણ સેવા આપે છે. અગાઉ તેમને ચાણક્ય એવોર્ડ (2008) અને વેદાંત એક્સેલન્સ એવોર્ડ (2020) થી નવાજવામાં આવ્યા છે.