રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર સપ્તાહે રોગચાળા અંગેના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. તો છેલ્લા સપ્તાહના આંકડાઓ આજે જાહેર થતા રોગચાળામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉધરસ શરદી અને તાવના 204 કેસો તેમજ સામાન્ય તાવના 32 કેસો ઉપરાંત ઝાડા ઉલ્ટીનાં 88 કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ડેંગ્યુ અને મેલેરિયાનો 1-1 કેસ પણ નોંધાયો હોવાનું આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી દ્વારા જણાવાયું હતું.
આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ ગરમી વધાતાં વાયરલ ઇન્ફેક્શન ઘટ્યું છે. જેને લઈને શરદી-ઉધરસ-તાવ ઉપરાંત ઝાડા અને ઉલટીનાં કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો ડેંગ્યુ અને મેલેરિયાનો એક-એક કેસ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનો કોઈ નવો કેસ આવ્યો નથી. તેમજ હાલ કોઈ એક્ટિવ કેસ પણ નથી. છેલ્લા 5 દિવસમાં ભારે ગરમી સમયે શહેરીજનોએ મનપાની એડવાઇઝરી મુજબ તકેદારી રાખી હતી. જેને કારણે હિટસ્ટ્રોકનાં પણ નહિવત કેસો સામે આવ્યા છે.
ગરમીથી બચવા આટલું ધ્યાન રાખો
વધુમાં તેમણે કહ્યું કે, ગરમીથી બચવા ખાસ લોકોએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ. જેમાં ઘરે બનાવેલા લીંબુ સરબત, લીંબુ પાણી અને ફળોના જ્યુસ પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ અતિ ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, ગોલા અને શેરડીનો રસ પીવા જોઈએ નહીં. બપોરે 11થી 2 દરમિયાન જરૂર સિવાય બહાર નીકળવું જોઈએ નહીં. અને ફરજીયાત જવું પડે તેવા સંજોગોમાં સુતરાઉ કપડાં પહેરી માથા ઉપર ટોપી અને ગોગલ્સ ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ સગર્ભા અને ધાત્રી બહેનોએ બહાર જવાનું ટાળવું પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.